સંજય વિ. શાહ
એટલે, સાતેસાત દરિયાના પાણીના સમ ખાઈને પૂછું છું, આ બ્લ્યુ બનાવીને ઍન્થની ડિસોઝા ઍકચ્યુલી શું સાબિત કરવા માગતા હશે? એવું કે ભારતીય દર્શકોને દરિયા નીચેનાં દ્રશ્યો બતાવો તો એ રાજીના રેડ થઈ જાય? એ પણ લાંબીલચક ફિલ્મમાં માંડ પાંચ (કે સાત, આઠ, નવ… વ્હૉટઍવર) મિનિટ જ? ગુજરાતી નિર્માતા ધીલીન મહેતાની ૧૨૦ કરોડની દિવાળી ગિફ્ટ ખરેખર ખર્ચાળ છે. એને જોવા માટે રીતસર સમય ખર્ચવો પડે છે. પૈસા તો ખર્ચવા જ પડે છે. અને બદલામાં મળે છે શું?
બહામામાં રહેતા સાગર (સંજય દત્ત) અને આરવ (અક્ષય કુમાર) મિત્રો છે. મતલબ, એવું લાગ્યા કરે છે થોડું થોડું. આરવ બહુ અમીર છે. સાગર સાધારણ છે. સાગરનો ભાઈ સમીર ઉર્ફે સૅમ (ઝાયેદ ખાન) બેંગકોકમાં ગુલશન (રાહુલ દેવ) નામના માફિયાના ખેલમાં સપડાઈ જાય છે. જીવ બચાવવા એ ભાગી આવે છે ભાઈ પાસે. આરવ લાંબા સમયથી સાગરની પૂઠે લાગ્યો છે કે વરસો પહેલાં સાગરમાં ડૂબી ગયેલા, ખજાના ભરેલા જહાજ લૅડી ઈન બ્લ્યુને, હાલ બકા શોધી કાઢીએ. હવે બોલો, આરવ કેમ સાગરની પૂઠે જ લાગ્યો છે? સમજી જાવ યાર, સાગરથી વધુ સારી રીતે સાગરને બહામામાં કોઈ સમજતું નથી. સાગર એ સદકાર્ય કરવાની ના પાડે રાખે છે, ના પાડે જ રાખે છે ત્યાં સિનેમા હૉલની સિલિંગની લાઈટસ ઑન થઈ જાય છે. ઈન્ટરવલ, થૅન્ક ગૉડ!
સૅમ આવ્યો એ પછી સંજોગ બદલાતા સાગર માની જાય છે. અહીંયા સુધી ફિલ્મમાં બોલો તો સૌથી સારું શું હતું? બહામાનું સૌંદર્ય, બહામાનાં લૉકાલ્સ. અહીંયાથી આગળ ફિલ્મમાં શું સારું છે? પેલી પાંચ કે એવી થોડી મિનિટ જેની વાત શરૂઆતમાં કરી. ઑકે? વાર્તાની વાત પૂરી. બાકીની વાત કરીએ?
બ્લ્યુ ભલે બૉક્સ ઑફિસ પર, થૅન્ક્સ ટુ ઑવર પબ્લિસિટી, ઑવર ક્યુરિઑસિટી, ઍન્ડ ફૅસ્ટિવિટી, સારો સ્ટાર્ટ લઈ ગઈ પણ એનું ભવિષ્ય બહુ ઉજળું નથી. બ્લ્યુએ કેટલા વટાણા વેર્યા છે એની ચર્ચા કરતા પહેલાં બે-ચાર શબ્દો પ્રશસ્તિના કહેવા જ રહ્યા. આ ફિલ્મથી બૉલિવુડે કંઈક અંશે સાબિત કર્યું છે કે પૈસા ખર્ચીને, સારા ટૅક્નિશિયન લાવીને એ પણ હૉલિવુડની જેમ હાઈક્લાસ પ્રૉડક્શન કરવા સજ્જ થઈ રહ્યું છે. સવાલ રહે છે સારી સ્ક્રિપ્ટનો. બેંગકોકમાં શૂટ કરાયેલાં બાઈક રૅસનાં દ્રશ્યો, અંડરવૉટર દ્રશ્યો એ બ્લ્યુના પ્લસ પૉઈન્ટ છે. એ દ્રશ્યો જો કે ક્યારેય અને કોઈ હાલતમાં ફિલ્મ બનતાં નથી એ અલગ વાત છે.
બ્લુની ખામીઓ… ઓ ઓ ઓ… આ કઈ વાત શરૂ કરી! લક્ષ્મણની ઉત્તેકરની સિનેમેટૉગ્રાફી સરસ છે. બહામાને એમણે ખૂબીપૂર્વક કૅમેરામાં કેદ કર્યું છે. શ્યામ સાલગાંવકરના (સૅલી) ભાગે ઍડિટિંગ ટૅબલ પર કરવા જેવું ખાસ કશું આવ્યું નહીં હોય. મુદ્દે, દ્રશ્યો અને કથાનકમાં પ્રવાહ અને અસ્ખલિતપણું નથી. ઘણા બધા ગીતકારો અને એટલા જ નૄત્યકારો ભેગા થઈને પણ એકપણ ગીતને પડદા પર ચકાચક નથી બનાવી શક્યા. અને હે ભગવાન, આ એ. આર. રહેમાને સંગીતમાં કેવો દાટ વાળ્યો. બ્લ્યુ ખરેખર તો ગીતવિહોણી ફિલ્મ હોત તો વધુ સારું થાત. એટલી લંબાઈ ઓછી થાત, યુ સી. કાયલી મિનૉગને કાંય કરવાને વાસ્તે ચિગી વિગી કરાવ્યું એ પણ કોઈક જણાવે તો સારું. રહેમાને આપેલા બૅકગ્રાઉન્ડ મ્યુઝિકથી ઍક્શનસભર દ્રશ્યોમાં દમ વધ્યો છે એ જો કે પાકું. આર. પી. યાદવ અને જૅમ્સ બૉમાલિકની ઍક્શન સહ્ય છે. અંડરવૉટર કૅમેરામેન પીટ ઝુકૅરીનીની કામગીરીનો લાભ સર્જકો ક્યાંય વધુ સારી રીતે ઉઠાવી શકત. એની કામગીરી વખાણવા જેવી. વાર્તા અને પટકથામાં કહેવા જેવું કશું નથી. મયૂર પુરીના સંવાદ ચીલાચાલુ. સંજુબાબા અને અક્ષય એકમેકને શા માટે સરકાર અને સેઠજી કહે છે કોને ખબર. ફિલ્મ પહેલાં બહામાને બદલે બિલાસપુરમાં શૂટ થવાની હતી?
સમગ્ર ફિલ્મમાં સંજય દત્ત લિટરલી કંટાળેલો અને નીરસ લાગે છે. અક્ષય કુમારે અભિનય કર્યો છે કે એણે પોતાને શાહરુખ ખાન ગણીને પોતાના જૂના-પુરાણા નખરા જ દેખાડ્યા છે? પ્લીઝ, દર્શકોને આમ ના છેતર, અક્ષય. ઝાયેદ ખાન બે મોટા સ્ટાર્સ વચ્ચે સૅન્ડવિચ થયો છે. રાહુલ દેવ ઑકે છે. લારા દત્તાનો ઉલ્લેખ સીધો અભિનયસમીક્ષામાં થવાનો એક જ અર્થ છે: એના ભાગે ટુ-પીસ પહેરીને માદક દેખાવા સિવાય ખાસ કંઈ આવ્યું નથી. ગૅસ્ટ અપીઅરન્સમાં કૅટરેના કૈફ છે એ એના ચાહકો માટે રાજી થવાથી વિશેષ કંઈ નથી. કબીર બેદીએ આવા પાત્રને સ્વીકાર્યું શા માટે એ સમજાતું નથી.
શ્રી અષ્ટવિનાયક સિનેવિઝને બ્લ્યુ જેવી, બૉલિવુડ ઝટ વિચારે નહીં તેવી અને વિચારે તો એની પાછળ પૈસા ખર્ચતા ખચકાય તેવી આ મોંઘીદાટ ફિલ્મનું નિર્માણ કરીને બેશક ચીલો ચાતરવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. એ અલગ મામલો છે કે એનો આશય બિઝનેસ-વાઈઝ સફળ જુગાર સાબિત થાય તો પણ ક્વૉલિટી-વાઈઝ એ યાદગાર નહીં બને. ઍન્થની ડિસોઝાને કાં તો એમનો ઑવર-કૉન્ફિડન્સ કાં તો ઓછો અનુભવ આડે આવ્યો છે. પરિણામે, બ્લ્યુ જોતા જોતા જ મધદરિયે ફસાઈ ગયાની લાગણી અનુભવતા જાતને પુછી બેસાય છે: આખિર ક્યું?
રૅટિંગ: * *
No comments:
Post a Comment